
કોટન કોર્પોરેશન ઇન્ડિયા ની એકધારી વધતી ખરીદી અને કપાસના ભાવ છેલ્લા બે દિવસથી સતત ઉછળી રહ્યા હોઇ આજે દેશમાં રૂની આવક ઘટીને ૧.૬૫ થી ૧.૭૦ લાખ ગાંસડીની નોંધાઇ હતી. ઉત્તર ભારતમાં કપાસના ભાવ આજે મણે રૂ.૩૦ થી ૪૦ સુધર્યા હતા જેની પાછળ સમગ્ર દેશમાં કપાસના ભાવ વધ્યા હતા.
ગુજરાતમાં પણ કપાસના ભાવ વધ્યા હતા. મહારાષ્ટ્રમાં હજુ ૫૦ હજાર ગાંસડીની આવક જળવાયેલી છે જ્યારે નોર્થમાં અને સાઉથમાં હજુ આવક વધતી નથી ઉલ્ટું આજે નોર્થમાં સતત બીજે દિવસે આવક ઘટી હતી.
ગુજરાતમાં નવા વર્ષની બોણીના બે દિવસમાં કપાસમાં મણે રૂ.૫૦ ઉછળી જતાં આજે આવક ઘટી હતી. મહારાષ્ટ્ર બેઠા કપાસના ભાવ રૂ।.૧૧૦૦ બોલાઇ જતાં આજે આવક થોડી ઘટી હતી. ગુજરાતમાં બધુ મળીને ૨૮ થી ૩૦ હજાર ગાંસડીની આવક નોંધાઇ હતી.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસની આવક આજે ઘટીને ૮૦ થી ૮પ હજાર મણની જ રહી હતી. આજે સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૭૦ થી ૧૧૦૦ અને ઊંચામાં રૂ.૧૧૪૫ થી ૧૧૭૦ હતા.
જુના કપાસની આવક ૫૫૦૦ મણની હતી અને ભાવ નીચામાં રૂ।.૮૦૦ થી ૯૦૦ અને ઊંચામાં રૂ.૧૦૬૦ થી ૧૦૯૦ હતા. યાર્ડોમાં મણે રૂ.૨૦ થી રપ સુધર્યા હતા.
જીનપહોંચ નવા કપાસમાં ભાવ આજે સૌરાષ્ટ્રમાં આજે સતત બીજે દિવસે મણે રૂ.રપ થી ૩૦ સુધર્યા હતા. નવા કપાસ ૧૩ થી ૧૫ ટકા હવાવાળા કપાસના જીનપહોંચ રૂ.૧૧૬૫-૧૧૭૦ થયા હતા અને મિડિયમ કપાસના ભાવ આજે રૂ।.૧૧૪૦ થી ૧૧૪૫ સુધી બોલાતા હતા અને ૨૦ થી ૨પ ટકા હવાવાળા પણ ઉતારા ૩૧ થી ૩રના હોઇ તો તે કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૨૫ ભાવ થયા હતા.
જુના સુપર કપાસના જીનપહોંચ ફરૂ.૧૦૫૦-૧૦૬૦ ભાવ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના નવા કપાસના ઊંચામાં રૂ।.૧૧૩૫-૧૧૪૦ હતા તેમજ મેઇન લાઇનના કપાસના ૧૫ ટકા હવા અને ૩પના ઉતારાના રૂ.૧૧૭૦ ના ભાવ હતા.
કડીમાં આજે બધુ મળીને આવક ઘટીને ૪૫૦ થી ૫૦૦ ગાડીની હતી જેમાં મહારાષ્ટ્રની ૩૦૦ ગાડી અને ભાવ રૂ।.૧૦૫૦ થી ૧૧૦૦, મેઇન લાઇનના ૩૦-૩૫ સાધનો અને ભાવ રૂ।.૧૦૬૦ થી ૧૧૦૦ અને કાઠિયાવાડની માત્ર ૫૦ થી ૭૦ ગાડી અને ભાવ ઊંચામાં રૂ.૧૧૩૫ થી ૧૧૪ બોલાયા હતા.