
કેન્દ્ર સરકાર દેશમાં મોંઘવારીને ડામવા માટે કઠોળનાં વેચાણ ઉપર સરકાર સબસિડી જાહેર કરે તેવી સંભાવનાં છે. નાફેડે તાજેતરમાં એક તરફ ચણાનાં વેચાણ માટેનાં ઊંચા લઘુત્તમ બીડીંગ ભાવ જાહેર કર્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારે ક્ઠોળ વેચાણ સબસિડી માટે પ્રતિ કિલો રૂ.૧૦થી ૧૫ની સબસિડી જાહેર કરે તેવી સંભાવનાં છે.
એક સરકારી અધિકારીનાં જણાવ્યાં પ્રમાણે સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉં-ચોખાની જેમ કઠોળનાં વેચાણ ઉપર પણ રૂ.૧૦થી ૧૫ પ્રતિ કિલોની છૂટ જાહેર કરે તેવી સંભાવના છે.
દેશમાં ક્ઠોળનાં ભાવ હાલ ઊંચા છે અને સરકારી ગોડાઉનમાં હજી ચણા-તુવેરસહિતનો મોટો સ્ટોક પડ્યો છે. બીજી તરફ શિયાળુ સિઝનમાં ચણાનું વિક્રમી વાવેતર થવાનો અંદાજ છે અને ઉત્પાદન પણ વધારે આવશે. આવી સ્થિતિમાં સરકાર જો કઠોળનાં વેચાણ ઉપર સબસિડી જાહેર કરશે તો બજારમાં મોટો ઘટાડો આવે તેવી સંભાવનાં છે.
કેન્દ્ર સરકાર દ્વારા હાલનાં તબક્કે આ અંગે કોઈ ચોક્કસ નીતિ સરકાર જાહેરાત કરવામાં આવી નથી, પંરતુ ખાદ્ય મંત્રાલયમાં આ અંગે ચર્ચા ચાલી રહી છે.
સબસિડી જાહેર કરવા માટે સરકારે નાણા મંત્રાલયની પણ મંજૂરી લેવી પડી છે. આવી સ્થિતિમાં આગામી સપ્તાહે કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા થાય છે કે નહીં તેનાં ઉપર સમગ્ર બજારની નજર રહેલી છે.