
કેન્દ્ર સરકારે ગત મહિને ડુંગળીની તમામ જાત ઉપર નિકાસપ્રતિબધ મૂક્યાં બાદ આજે સાઉથની કેટલીક વેરાયટીની મર્યાદીત માત્રામાં નિકાસ છૂટ આપી છે. જોકે આ નિકાસછૂટને પગલે ગુજરાત કે નાશીકની બજારમાં ખાસ કોઈ અસર થાય તેવી સંભાવનાં ઓછી છે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે સાઉથની બેંગ્લોર રોઝ અને ક્રિષ્નાપુરમ જાતની ડુંગળીની ૧૦ હજાર ટનની મર્યાદામાં ૩૧મી માર્ચ સુધીમાં નિકાસ કરવાની શરતે નિકાસ છૂટ આપી છે.
આમ આ બંને જાતની માર્ચ સુધીમાં કુલ ૧૦ હજાર ટનની નિકાસ કરી શકાશે. ડીજીએફટીએ નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છેકે આ ડુંગળીની નિકાસ એક માત્ર ચેન્નઈ પોર્ટ ઉપરથી જ થઈ શકશે.
બેંગ્લોર રોઝ માટે કર્ણાટકનાં બાગાયત કમિશ્નર પાસેથી આ વેરાયટી અંગેનું સર્ટિફિકેટ પણ લેવું પડશે અને ત્યાર બાદ જ નિકાસ કરી શકાશે. જ્યારે ક્રિષ્નાપુરમ વેરાયટી માટે આંધ્ર પ્રદેશની સરકાર પાસેથી લેવાની રહેશે.
કેન્દ્ર સરકારે ગત ૧૪મી સષ્ટેમ્બરનાં રોજ તાત્કાલિક અસરથી લાગુ પડે એ રીતે તમામ ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતોઅને જેનો મોટા પાયે વિરોધ થયો હતો. સરકારે સપ્ટેમ્બર અંતમાં ૧૪મી સષ્ટેમ્બર પહેલા જેને મંજૂરી મળી ગઈ હોવાથી તેને નિકાસ કરવાની પણ પરવાનગી આપી હતી.
કર્ણાટકનાં ખેડૂતોએ બેંગ્લોર રોઝ વેરાયટીની જ ૧૦ હજાર ટનની નિકાસ છૂટ આપવાની માંગણી કરી છે જેની સ્થાનિક બજારમાં કોઈ જ માંગ નથી હોતી. આ વેરાયટી મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને તાઈવાન જેવા દેશમાં જ વપરાય છે.
જ્યારે ક્રિષ્નાપુરમ વેરાયટીનો પણ સ્થાનિક વપરાશ નથી થતો, જેની પણ ઉપરોક્ત દેશો ઉપરાંત શ્રીલંકા અને હોંગકૉંગ સહિતનાં દેશમાં થાય છે.
કેન્દ્ર સરકારે સાઉથની બંને વેરાયટીની નિકાસ છૂટ આપી છે, પંરતુ તેને લોકલ બજાર સાથે કંઈ લેવાદેવા નથી હોતી, પરિણામે લાલ ડુંગળીની બજારમાં કોઈ મોટી તેજી આવી જાય તેવી સંભાવનાં નથી. મેળા-સ્ટોકનો માલ જેમ-જેમ ઓછો થશે તેમ ધીમી ગતિએ લાલની બજારમાં સુધારો થાય તેવી પૂરી સંભાવનાં છે.