
મગફળીની કાપણી સમયથી ખેડૂતો અને ખેડૂત અગ્રણીઓએ થોડા દિવસ બૂમ-બરાડા પાડ્યા કે ઓણસાલ મગફળી હળવી ફૂલ થઇ છે.
કોથળામાં ૩૦ કિલો પણ સમાતી નથી. સરકાર આનું કાંઇ કરે. જેમના સીરે મગફળી ખરીદીની જવાબદારી છે એવા અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ સરકારને આ પ્રશ્ન રજુ કરીને મગફળી ટેકાની ખરીદીમાં રપ કિલોની ભરતી માન્ય કરાવી લીધી છે.
એની મીડિયા દ્રારા ગઇ કાલે વિધિવત જાહેરાત પણ કરી દીધી છે. હાશકારો અનુભવતા ખેડૂતો પણ જાહેરાતથી ખુશ થઇ ગયા, પરંતુ આટલેથી આ પ્રશ્ન ઉકેલાતો નથી. આ વર્ષે મુખ્ય મુદ્દો ક્વોલિટીનો ઉભો થવાનો છે.
મગફળીમાં હવા (ભેજ) અને ઉતારાની કન્ડીશન ગત વર્ષ મુજબ હશે, તો સમજી લો ને કે ભેજના ઇશ્યુ તો નહીં આવે, પરંતુ મગફળી દાણે નબળી રહી ગઇ હોવાથી ડખ્ખો ઉતારામાં થવાનો છે. મોટાભાગની મગફળીમાં ઉતારા નહીં બેશે એટલે એવા લોટ નપાસ થવાના છે.
ખેડૂતને ખરીદ કેન્દ્ર સુધી ધરમનો ધક્કો થવાનો છે. હજુ ૨૧, ઓક્ટોમ્બરને પાંચ દિવસનો સમય છે. જે નડતર છે, એ દૂર કરવા માટે ભૂવા ધુણાવો તો કામનું છે, બાકી તો મગફળી પાસ થયા પછી સરવાળે ૩૦ કિલો ભરતીમાં ખેડૂત અને સરકારને મજૂરી અને બારદાનમાં ફાયદો છે.