
કેન્દ્ર સરકારે પંજાબ-હરિયાણામાં ચોખાની ખરીદીની મંજૂરી આપી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાંથી તેલીબિયાં પાક એવા સોયાબીનની પણ ખરીદી માટે મંજૂરી આપી છે, પંરતુ ગુજરાતમાં હજી મગફળીની ખરીદી કેટલી માત્રામાં કરવી તેની પણ કેન્દ્રએ સત્તાવાર રીતે મંજૂરી આપી નથી.
નાફેડે સત્તાવાર રીતે શનિવારે જાહેર કર્યું હતુંકે મહારાષ્ટ્રમાથી પહેલી ઓક્ટોબરથી સોયાબીનની ટેકાનાં ભાવથી ખરીદી ચાલુ કરવામાં આવશે અને આ માટે જરૂરી પ્રક્રીયા પણ લોકલ એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવશે.
જ્યારે હરિયાણામાંથી ૧૦મી ઓકટોબરથી પણ મગની ટેકાનાં ભાવથી ખરીદી ચાલુ કરવામાં આવશે. સરકારે મહારાષ્ટ્ર અને તેલગણામાંથી પહેલાથી જ મગની ખરીદી શરૂ કરવાની મંજૂરી આપી દીધી હતી.
સરકારે હાલમાં જે રાજ્યોમાં જે પાક વધુ પાકે છે તે તમામ પાકની મંજુરીઓ આપી દીધી છે, પંરતુ ગુજરાતમાં મગફળીનો પાક સૌથી મોટો હોવા છત્તા ત્યાં મંજૂરી આપી નથી.
જોકે પહેલી ઓક્ટોબરથી રાજ્ય સરકારે નોંધણી ચાલુ કરવાની જાહેરાત કરી છે અને ૨૧મી ઓક્ટોબરથી ખરીદી પણ શરૂ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પંરતુ કેન્દ્ર સરકારે હજી સત્તાવાર મંજૂરી આપી નથી.