સમગ્ર દેશમાં નવા કપાસની આવક શરૂ થઇ ચૂકી છે. ગુજરાતમાં ક્રપાસનું વાવેતર ગત્ત વર્ષથી થોડું ઘટયું છે પણ તેની સામે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, તેલંગાના, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્રમાં કપાસનું વાવેતર જંગીમાત્રામાં વધ્યું છે.
દેશમાં કપાસનું વાવેતર 130 લાખ ઠેક્ટરને પાર કરી જતાં હવે રૂનું ઉત્પાદન 3.65 થી 3.85 કરોડ ગાંસડી વચ્ચે થવાનો અંદાજ અભ્યાસુઓ મૂકી રહ્યા છે. ચાલુ વર્ષે રૂનું ઉત્પાદન 3.54 કરોડ ગાંસડી થયું હતું.
સૌરાષ્ટ્રમાં અમરેલી, સાવરકુંડલા, રાજકોટ, ગોંડલ અને જામજોધપુર યાર્ડમાં થઇને કપાસની કુલ આવક 12 થી 14 હજાર મણની થઈ રહી છે. હાલ હવાવાળા કપાસનો ભાવ મણદીઠ રૂ।.750 થી 950 વચ્ચે બોલાય છે, ખેડૂત મિત્રોએ ખાસ યાદ રાખવું કે કપાસનો ટૅકાનો ભાવ સરકારે રૂ.1165 નક્કી કર્યો છે.
છેલ્લા ચાર મહિનાથી સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ રૂ।.800 થી 950 આસપાસ જ રહ્યા છે. સારા કપાસના થોડો સમય માટે ભાવ રૂ।.1000 ની ઉપર ગયા હતા.
સીસીઆઇ (કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) સામાન્ય રીતે દર વર્ષે તા.1 ઓકટોબરથી કપાસની ખરીદી શરૂ કરતી હોય છે પણ હજુ આ વર્ષે સીસીઆઈ કપાસની ખરીદી કયારે શરૂ કરશે તે જાહેર કર્યું નથી.
સીસીઆઇની(CCI) કપાસ ખરીદી ગુજરાતમાં કયારેય સફળ થઈ નથી અને ગુજરાતનો ખેડૂત સીસીઆઇની ખરીદીથી કદીય ખાટયો નથી. આથી સીસીઆઇઈની ખરીદીના ભરોસે આ વર્ષે કપાસ સાચવી રાખવામાં કોઇ સાર નથી.
દેશમાં અને વિદેશમાં કપાસનું ઉત્પાદન ગત્ત વર્ષથી વધુ થયું છે અને તેની સામે કોરોનાવાઇરસને કારણે આખી દુનિયામાં કાપડનો વપરાશ સતત ઘટી રહ્યો હોઇ ખેડૂતોને કપાસના સારા ભાવ મળવાની બહુ આશા રાખવા જેવી નથી.
વધુ તો વધીને રૂ।.1000 થી 1050 સુધીના ભાવ લાંબો સમય કપાસ સાચવી રાખવાથી મળી શકે છે પણ નવો કપાસ ચાલુ થાય ત્યારે જો ખેડૂતોને ખુલ્લી પીઠમાં રૂ।.900 થી 950 ભાવ મળતાં હોય તો રોકડી કરી લેવામાં આ વર્ષે સાર છે.