
ડુંગળીની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ મજબૂત બને તેવી સંભાવનાં છે. સરકારી એજન્સી નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) પાસે ડુંગળીનો તમામ સ્ટોક હવે ખાલીખામ થઈ ગયો છે અને ગોડાઉનમાં તળિયા દેખાવા લાગ્યાં છે.
નાફેડનાં એક ઉચ્ચ અધિકારીએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે નાફેડે ડુંગળીનો કુલ એક લાખ ટનનો બફર સ્ટોક કર્યો હતો, જેમાંથી હવે તમામ સ્ટોક બજારમાં ઠલવાય ગયો છે. હવે માત્ર અમુક જથ્થામાં જ સ્ટોક પડ્યો છે, જે હવે બે-પાંચ દિવસમાં પૂરો થઈ જશે. બીજો અમુક સ્ટોક બગડી ગયો હોવાથી પણ તે ટેકનિકલી રીતે સ્ટોકમાં ગણી શકાય તેમ નથી.
નાફેડ પાસે ઓક્ટોબર અંતમાં પણ રપ હજાર ટન જેટલો જ સ્ટોક પડ્યો હતો પરિણામે એ સ્ટોક અત્યાર સુધીમાં હવે ખાલી ગયો છે. નાફેડે કુલ એક લાખ ટનની ખરીદી કરી હતી, જેમાંથી ૬૦ હજાર ટનનો સ્ટોક બજારમાં ઠલવ્યો છે. બાકીનો સ્ટોક ભેજનું પ્રમાણ વધારે અથવા તો બગડી ગયો છે. ડુંગળીમાં સમય પ્રમાણે અમુક વજનમાં ઘટ આવે છે તે પણ ગણવી પડે તેમ છે.
નાફેડ એપ્રિલથી કરી બફર સ્ટોક કરશેઃ માત્રા વધે તેવી ધારણાં
નાફેડ દ્વારા હવે નવી સિઝન એપ્રિલ મહિનામાં શરૂ થાય ત્યારે ફરી સ્ટોક કરવામાં આવશે. રવી સિઝનની ડુંગળીની આવકો એપ્રિલથી પૂરજોશમાં આવતી હોય છે અને નાફેડ ગત વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલથી જ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ડુંગળીની ખરીદો શરૂ કરશે.
નાફેડનાં અધિકારીએ જણાવ્યું હતું કે નવી સિઝનમાં પણ નાફેડ ચાલુ વર્ષ કરતા વધારે જ સ્ટોક કરે તેવી સંભાવનાં છે. ચાલુ વર્ષે એક લાખ ટન સામે નવી સિઝનમાં ૧.રપ થી ૧.૫૦ લાખ ટન વચ્ચે સ્ટોક કરવામાં આવે તેવી સંભાવનાં છે.
લાસણગાંવ મંડીનાં પૂર્વ ચેરમેન જયદત્તા હોલ્કરે જણાવ્યું હતું કે ડુંગળીનાં ભાવ હાલ રૂ.૩૭૦૦ પ્રતિ ક્વિન્ટલ આસપાસ ચાલી રહ્યાં છે, જે એક મહિના પહેલા રૂ.૬૫૦૦નાં હતાં. ડુંગળીમાં ટૂંકાગાળા માટે બજારો મજબૂત રહેશે, પરંતુ ડિસેમ્બરમાં આવકો કેવી થાય છે તેનાં ઉપર ઘટાડાનો આધાર રહેલો છે.
નાફેડ દ્વારા ૧૫ હજાર ટન ડુંગળીનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જે ડુંગળી પણ ભારતીય પોર્ટ ઉપર ચાલુ સપ્તાહે આવી પહોંચી છે. પરિણામે તેની અસર પણ બજારને જોવા મળશે. આગામી દિવસોમાં નાફેડે બીજી કેટલી માત્રામાં ડુંગળીની આયાત કરે છે તેનાં ઉપર પણ નજર રહેલી છે.