
દેશમાં ડુંગળીની આયાત સતત વધી રહી છે અને દિવાળી પહેલા ૨પ હજાર ટન ડુંગળીની આયાત થઈ જાય તેવી સંભાવનાં છે તેમ કેન્દ્રીય ખાધ અને ગ્રાહક બાબતોનાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું.
દેશમાં ગત સપ્તાહ સુધીમાં ટ્રેડરોએ મળીને કુલ ૭ હજાર ટન ડુંગળીની આયાત કરી લીધી છે અને દિવાળી પહેલા રપ હજાર ટન ડુંગળીની આયાત થઈ જાય તેવી સંભાવના છે. નાફેડ દ્વારા પણ ડુંગળીની આયાત માટેની પ્રક્રીયા શરૂ કરવામાં આવી રહી છે.
ગોયલે વધુમાં કહ્યું કે આગામી મહિનાથી નવી ખરીફ સિઝનની ડુંગળી પણ બજારમાં આવવા લાગશે અને આયાતી ડુંગળી પણ આવશે, જેને પગલે પૂરવઠો વધતા ભાવ પણ ઘટે તેવી ધારણાં છે. ડુંગળીની આયાત ઈજિપ્ત, અફઘાનિસ્તાન, તુર્કિમાંથી પ્રાઈવેટ ટ્રેડરોએ કરી છે અને નાફેડ પણ પોતાની ક્ષમતા પ્રમાણે આયાત કરશે.
બટાટાની પણ સરકારે ૧૦ લાખ ટનની આયાત છૂટ આપી
દરમિયાન કેન્દ્ર સરકારે બટાટાની પણ ૧૦ ટકા ડ્યૂટી સાથે ભૂતાનથી ૧૦ લાખ ટન આયાત કરવાની છૂટ આપી છે. બટાટાની આગામી થોડા દિવસોમાં જ ભૂતાનમાંથી ૩૦ હજાર ટનની આયાત થઈ જશે.
નવા બટાટા પણ નવેમ્બર મધ્યમાં બજારમાં આવવા લાગશે, જેને પગલે તેનાં ભાવ પણ નીચા આવી જાય તેવી ધારણાં છે.
કેન્દ્ર સરકારે ટેરિફ ભાવ ક્વોટા હેઠળ ૧૦ ટકા ડ્યૂટી ભરીને ૧૦ લાખ ટન કુલ બટાટાની આયાત કરવાની છૂટ આપી છે, જ્યારે ભૂતાનથી પણ આયાત નિયંત્રણ દૂર કરી દીધો છે, જેને પગલે ત્યાંથી ૩૧મી જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારનાં નિયંત્રણ વગરનઆયાત થઈ શકશે.