સૌરાષ્ટ્રમાં તાજેતરમાં થોડા દિવસ પડેલા વરસાદને પગલે મગફળીની ક્વોલિટીને અસર પહોંચી છે, જેને પગલે અમુક ક્વોલિટીમાં સરેરાશ મગફળીનાં ભાવ આજે રૂ.૧૦થી ૧૫ ઘટયાં હતાં.
બીજી તરફ ઊંચી સપાટીથી સીંગતેલમાં ઘરાકી ઘટી હોવાથી પિલાણવાળા હવે ઊંચા ભાવથી લેવાલ નથી. જોકે સારી ક્વોલિટીની મગફળીની બજારમાં આજે પણ ઘટાડો થયો નહોંતો અને ભાવ ટકી રહ્યાં હતાં.
સરકારી ખરીદો પણ બુધવારથી થઈ રહી હોવાથી તેની અસર પણ બજાર પર જોવા મળશે. જોકે શરૂઆતમાં સરકાર દરેક સેન્ટરમાં ર૦-૨૦ ખેડૂતોને જ બોલાવાની છે, તેવા સમાચાર છે, જેનાંથી યાર્ડની આવકને કોઈ અસર થશે નહીં.
રાજકોટમાં સતત બીજા દિવસે હરાજી બંધ હતી. મંગળવારની રાત્રીએ રાજકોટ-ગોંડલમાં નવી આવકો શરૂ કરી હતી. કેટલી આવક થાય છે તેનાં ઉપર આધાર છે. મહુવામાં વરસાદને પગલે આજથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવકો બંધ કરી છે.
ડીસામાં હવે આવકો પીક પકડીને ઘટવા લાગી છે. સરેરાશ મગફળીની આવકો બે લાખ ગુણીની અંદર હતી અને હવે ટૂંકાગળામાં ત્રણ લાખ ગુણી ઉપર દૈનિક થાય તેવા સંજોગો દેખાતા નથી, જે પાકમાં પોલ હોવાના સંકેત આપે છે.
ગોંડલમાં મગફળીનાં ૧૮ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જીણીમાં રૂ.૬૦૦થી ૧૦૫૦ અને જીડીમાં રૂ.૬૦૦થી ૧૦૭૦ના ભાવ હતા. ૬૬ નંબરમાં રૂ.૧૧૦૦ આસપાસનાં ભાવ હતાં. સુપર ક્વોલિટીમાં રૂ.૧૨૦૦માં લેવાલ હતા, પરંતુ આવો માલ બચ્યો નહોંતો.
હળવદમાં ૧૨ હજાર ગુણીની આવક હતી અને ભાવ કોકાકોલામાં રૂ.૯૦૦થી ૯૨૫ અને સારી ક્વોલિટીમાં રૂ.૧૦૦૦થી ૧૦૫૦નાં ભાવ હતાં.
મહુવામાં મંગળવારે કુલ ૧૩ હજાર ગુણીની આવક હતીઅને ભાવ મગડીમાં ર્.૯૫૦થી ૧૧૮૧, જીટુમાં રૂ.૮૧૮થી ૧૧૩૩, ટીજેમાં રૂ.૮૧૫થી ૧૦૦૧ અને જી-૨૦માં રૂ.૮૮પથી ૧૧૨૯નાં ભાવ હતાં.
ડીસામાં ૪૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૮૫૦થી ૧૧૦૦ના હતાં. હિમતનગરમાં ૨૦ હજાર ગુણીની આવક હતીઅને ભાવ રૂ.૧૦૧૧થી ૧૨૩૧નાં ભાવ હતાં. ઈડરમાં ૩ હજાર, પાલનપુરમાં રપ હજાર ગુણીની આવક હતી.