
દેશમાંથી ગવારગમ અને તેની પ્રોડક્ટની નિકાસમાં ઓગસ્ટ મહિનામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સરકારી સંસ્થા અપેડાનાં સત્તાવાર આંકડાઓ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ગવારગમ અતે તેની પ્રોડક્ટની નિકાસમાં ૭૧ ટકાનો ઘટાડો થઈને ૧૦૨૯૭ ટનની જ નિકાસ થઈ છે, જે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ૩૫૧૦૨ ટનની નિકાસ થઈ હતી.
સરકારી આંકડાઓ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નાં પહેલા પાંચ મહિના એટલે કે એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમિયાન ગવારગમ અને તેની પ્રોડક્ટની નિકાસ ૫૨.૭૪ ટકા ઘટીને ૯૦૭૯૬ ટનની નિકાસ થઈ છે જે ગત વર્ષે ૧,૯૨,૧૫૦ ટનની [નિકાસ થઈ હતી.
ગવારગમી નિકાસ દ્વારા ચાલુ વર્ષે કુલ રૂ.૭૫૮ કરોડ મળ્યા છે, જે ગત વર્ષે રૂ.૧૫૮૮ કરોડ મળ્યાં હતાં. ગવારગમની નિકાસ ચાલુ વર્ષે સેરારશ ૧૧૦૭ ડોલર અને ગત વર્ષે ૧૧૬૨ ડોલરનાં ભાવથી થઈ હતી.
ઓગસ્ટમાં માત્ર ૧૦૨૯૭ ટન ગમની જ નિકાસ થઈ
દેશમાંથી જુલાઈ મહિનામાં ગવારગમની નિકાસ ૨૨૭૨૪ ટનની થઈ હતી, જે ગત વર્ષે ૪૧૧૩૩ ટનની થઈ હતી. જ્યારે જૂનમાં ૩૧૧૮૯ ટનની શિકાસ થઈ હતી.
ગવારગમનાં એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે ક્રડતેલની બજારમાં ઘટાડો અને તેનાં શેલમાં ઉત્પાદન ઓછું હોવાથી ગમનો ઉપયોગ ઘટી ગયો છે. હાલ ફુડ સેકટરની માંગ જોવા મળી રહી છે, જેને પગલે નિકાસમાં મોટો ઘટાડો થયો છે.
ગવારગમની નિકાસમાં ઘટાડો અને નવા ગવારની આવકો રાજસ્થાન-હરિયાણાની મંડીમાં વધી રહી હોવાથી શુક્રવારે બંને વાયદામાં પણ દોઢથી બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગમનાં નિકાસ સમાચારને પગલે ગમ વાયદો આગામી સપ્તાહે ઘટીને રૂ.૬૦૦૦ની સપાટીએ પહોંચે તેવી પણ સંભાવનાં દેખાય રહી છે.