કપાસની સીઝન પૂરી થઇ ચૂકી છે. હવે આંગળીના વેઢે ગણાય તેટલાં જ ખેડૂતો પાસે જૂનો કપાસ પડ્યો હશે. હવે ચાલુ સીઝન પુરી થઇ રહી હોઇ નવી સીઝનમાં કપાસના કેમ સારા ભાવ મેળવવા તેની ચિંતા કરવાની છે. જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે હાલ જુના કપાસના ભાવ મણના રૂ.૧૭૦૦ ઉપર ચાલી રહ્યા છે.
નવો કપાસ બજારમાં આવશે તે પહેલા આ ભાવ વધીને રૂ.૧૮૦૦ પણ થઇ શકે છે પણ હવે શક્યતા ઓછી છે કારણ કે સૌરાષ્ટ્રમાં તામિલનાડુનો નવો કપાસ રોજની ચાર થી પાંચ ગાડી આવી રહ્યો છે જેની આવક હવે વધશે તેમજ તા.૧૫મી ઓગસ્ટ પછી સૌરાષ્ટ્રમાં જેમને આગોતરો કપાસ બહુ વહેલો વાવ્યો છે તેની આવક પણ ચાલુ થઇ જશે.

નવો કપાસ ખેતરમાં તૈયાર થશે ત્યારે કપાસના ભાવ ઊંચા હશે આથી ખેડૂત ઊંચા ભાવ લેવા માટે કપાસ વેચવા બહુ જ ઉતાવળો થશે. આ ઉતાવળને કારણે માર્કેટયાર્ડોમાં કપાસના ઢગલા થવા લાગશે. શરૂઆતમાં જીનર્સ પણ ઊંચા ભાવને કારણે કપાસ બહુ ખરીદશે નહીં. આથી કપાસના ભાવ સડસડાટ તૂટવા લાગશે.
કપાસ ના બજાર સમાચાર :
આ સમયે ખેડૂતોએ ખાસ કપાસના ભાવ ન તૂટે તેનું ધ્યાન રાખવાનું છે. કપાસ ભાવ સડસડાટ ન તૂટે તેની લગામ ખેડૂતોના હાથમાં જ રહેવાની છે. જો ખેડૂત ધીમે ધીમે કપાસ વેચશે તો ભાવ સડસડાટ નહીં તૂટે અન્યથા કપાસના ભાવ સડસડાટ તૂટી જશે. ખેડૂતના ભાગ્ય સારા હશે અને નવો કપાસ બજારમાં આવે ત્યારે જો વિદેશી બજારો સારી હશે તો કપાસના ભાવ નહીં તૂટે પણ વિદેશી બજારો પણ ઘટતી હશે અને અહીં પણ કપાસની આવકના ઢગલા માર્કેટયાર્ડોમાં થવા લાગશે તો કપાસના ભાવ બમણા જોરથી ઘટવા લાગશે.
કપાસ ના બજાર ભાવ :
આવા સંજોગોમાં ખેડૂતોએ શું કરવું જોઈએ. બધા ખેડૂતોને કપાસ ઝડપથી વેચીને ઊંચા ભાવ લેવા હોઇ તે સ્વભાવિક છે પણ ધારો કે એક દિવસ કપાસના ભાવમાં એક સાથે મણે રૂ.૨૫ થી ૩૦ તૂટી ગયા તો માત્ર એક કે બે દિવસ માટે ખેડૂતોએ કપાસ વેચવાનું અટકાવી દેવું જોઈએ જેથી કપાસના ભાવ વધુ ઝડપથી ન તૂટે પણ આવી વાત કરવી સહેલી છે પણ અગાઉના વર્ષમાં કયારેય આવું થતું નથી.
કપાસ ની બજાર :
જ્યારે પણ કોઇ ખેતપેદાશોના ભાવ તૂટવા લાગે એટલે ખેડૂત ગભરાય જાય છે અને વેચવા એકદમ ઉતાવળો બની જાય છે. ખેડૂતોના આ સ્વભાવનો વેપારીઓ અને ખરીદવાવાળા દર વર્ષે લાભ લઇ રહ્યા છે. બીજી મહત્વની વાત એ છે કે જ્યારે નવો કપાસ ખેતરમાં તૈયાર થાય ત્યારે શરૂઆતમાં સરકારની ટેકાની ખરીદી પણ ચાલુ હોતી નથી. જરૂરિયાતવાળા ખેડૂતો નીચા ભાવે કપાસ વેચીને લૂંટાય જાય ત્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવા આવે છે.
આ વર્ષે પણ રૂ।.૧૭૦૦ થી ૧૮૦૦ વાળો કપાસ કયારે ઘટીને ર્।.૧૦૦૦ થઇ જશે તે ખેડૂતને ખબર પણ નહીં રહે અને પછી ખેડૂતને રૂ।.૧૦૦૦ની નીચે કપાસ વેચીને લૂંટાવું પડશે. ખેડૂતો જો સમજદારી નહીં દાખવે તો કપાસના ભાવ નવી સીઝનમાં સડસડાટ તૂટશે તેવું હાલ નક્કી દેખાય છે પણ આગળ જતાં કપાસના ભાવ નીચા મથાળેથી સુધરશે તે પણ નક્કી છે.
દેશ માં કપાસ નું વાવેતર :
દેશભરમાં કપાસનું વાવેતર ગયા વર્ષ કરતાં ઓછું થયુ છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સરકારી આંકડા પ્રમાણે ગયા વર્ષ કરતાં સાડા ત્રણ લાખ હેકટરમાં કપાસનું વાવેતર ઓછું થયું છે. આ ત્રણેય રાજ્યોમાં તા.૧૦મી જૂન સુધી જ કપાસનું વાવેતર થઇ શકે છે આથી હવે આ ત્રણ રાજ્યોમાં કપાસનું વાવેતર વધવાની શક્યતા નથી.
ભારતમાં કપાસ નું વાવેતર :
ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાના, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ તમામ રાજ્યોમાં કપાસને બદલે ખેડૂતોએ સોયાબીનનું વાવેતર વધુ કર્યું હોઇ કપાસનું વાવેતર કપાયું છે. ચોમાસાની પ્રગતિ આ વર્ષે અનિયમિત છે. વરસાદ તમામ વિસ્તારમાં એકસરખો નથી આથી કપાસના ઉતારા પણ બહુ સારા આવે તેવું દેખાતું નથી.
કપાસના પાકની વિશ્વબજાર :
વિદેશમાં અમેરિકામાં કપાસનું વાવેતર ઘટયું છે. ચીનમાં ભારે વરસાદને કારણે કપાસમાં બગાડના સમાચાર છે ઉપરાંત આ વર્ષે ખાતરના ભાવ દરેક દેશોમાં વધ્યા હોઇ કપાસનો ખેતીખર્ચ અનેકગણો વધ્યો છે. ખાસ કરીને ચીનમાં કપાસનો ખેતીખર્ચ બમણો થયો હોઇ ત્યાં અત્યારે કપાસના ભાવ વિશ્વના અનેક દેશો કરતાં ૨૦ થી ૨પ ટકા ઊંચા છે. પાકિસ્તાનમાં કપાસનું વાવેતર થોડું વધ્યું છે પણ ઉત્પાદનમાં કોઇ મોટો વધારો થવાનો નથી.
બ્રાઝિલમાં કપાસનો પાક :
બ્રાઝિલમાં કપાસનો નવો પાક બજારમાં આવી ચૂક્યો છે જે ગયા વર્ષ કરતાં ઓછો છે. આમ, ગુજરાત સિવાયના રાજ્યો અને વિદેશમાં કપાસના ઉત્પાદનની સ્થિતિ સારી નથી આથી ગુજરાતના ખેડૂતો ધારે અને ધીમે ધીમે કપાસ વેચશે તો કપાસના ભાવ સડસડાટ ઘટતાં અટકી શકશે.