
કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ચાલુ વર્ષથી પ્રથમવાર ખરીફ પાકોની કેટલી કાપણી થઈ તેનો અંદાજ પણ જાહેર કરવાનો શરૂ કરવામાં આવ્યો છે.
જે મુજબ દેશમાં રપમી સપ્ટેમ્બર સુધીમાં કઠોળની કુલ ૨૮.૨૯ ટકાની કાપણી સંપન્ન થઈ ચૂકી છે. આમ કુલ ૧૩૯.૩૬ લાખ હેકટરનાં વાવેતરમાંથી ૩૯.૪ર લાખ હેકટરમાં કાપણી પૂરી થઈ ગઈ છે.
કઠોળ પાકમાં તુવેરની કાપણી હજી વાર છે, જ્યારે અડદની ૪૫.૧૭ ટકા અને મગની ૪૪.૬૪ ટકાની કાપણી પૂરી થઈ ગઈ છે.
અડદનાં ૩૮.૯૬ લાખ હેકટરનાં વાવેતર સામે ૧૭.૬૦ લાખ હેકટરમાં કાપણી પૂરી થઈ છે, જ્યારે મગમાં ૩૫.૮૪ લાખ હેકટરના વાવેતર સામે ૧૬ લાખ હેકટરની કાપણી પૂરી થઈ છે. ખાસ કરીને રાજસ્થાનમાં ખેડૂતોએ મગની ૫૦ ટકા ઉપર કાપણી કરી લીધી છે.
સરકારી આંકડાઓ પ્રમાણે દેશમાં જુવારની ૭થી ૮ ટકા, બાજરીની ૧૩થી ૧૭ટકા અને રાગીની બે ટકા જેટલી કાપણી પૂરી થઈ છે.
મકાઈની ૧૨ ટકા જેટલી થઈ છે, જ્યારે તેલીબિયાં પાકોની માત્ર અડધો ટકો જ કાપણી થઈ છે. જોકે જેમાં સૌથી મોટો હિસ્સો મગફળીનો છે અને મગફળીની કાપણી ગત સપ્તાહ સુધીમાં ૧.૩૩ ટકા થઈ ચૂકી છે.